આણંદના બ્રેઇનડેડ યુવાનના અંગદાનથી 3 વ્યક્તિને નવજીવન
Updated: Mar 26th, 2025
– મૃત્યુ પછી અન્યના જીવનમાં રાહતની સુવાસ પ્રસરાવી
અમદાવાદ : ‘મર કે ભી કિસી કો યાદ આએંગે, કિસી કે આંસુ મેં મુસ્કુરાએેંગે…જીના ઈસી કા નામ હૈ…’ આ જૂના ગીતની પંક્તિને ખૂબ જ ઓછા લોકો ચરિતાર્થ કરી શકતા હોય છે. જેમાં આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપતા લિવર અને કિડનીનું દાન મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પણ હાલ આણંદના મફતપુરા ખાતે રહીને કલરકામની મજુરીથી પરિવારનું ગુજરાન ચલાવતા મુલાયમ યાદવ ૧૯ માર્ચના કરમસદ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો હતો. ગાય બાઇક સાથે અથડાવવાથી મુલાયમ નીચે પડી ગયો હતો અને માથામાં ઈજા થતાં બેભાન થયો હતો. તેમને તાકીદે કરમસદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સીટી સ્કેન બાદ તેમને બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થયું હતું. સઘન સારવાર બાદ ૨૩ માર્ચના ડૉક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડૉક્ટરો અને સામાજિક કાર્યકરોએ મુલાયમ યાદવના પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. પત્ની સાવિત્રી દેવી-પિતા તુફાનીએ જણાવ્યું કે, ‘અમે ખૂબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઇ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. મુલાયમ બ્રેઇનડેડ હોવાથી હવે તેનું શરીર રાખ થવાનું જ છે. હવે તેના અંગોનું દાન થઇ શકતું હોય તે કરાવીને અંગ અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે આપવા માટે આપ આગળ વધો…’
Courtesy: Gujarat Samachar