અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો
Updated: Apr 21st, 2025
GS TEAM
India Temporary Tariff On China: અમેરિકા બાદ ભારત પણ ચીન પર કામચલાઉ ધોરણે ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીન અને અન્ય દેશોમાંથી થઈ રહેલી સ્ટીલની સસ્તી આયાત પર કાબુ મેળવવા કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ચીનમાંથી સ્ટીલની આયાત પર 12 ટકા ટેમ્પરરી ટેરિફ લાદવાની જાહેરાત કરશે. આ ટેરિફ લાગુ કરવાનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જેને સેફગાર્ડ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે.
ભારત વિશ્વનો બીજો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક છે. તેમ છતાં ચીન અને અન્ય દેશોમાંથી સ્ટીલ સસ્તુ મળતું હોવાથી ભારતે 2024-25માં 95 લાખ મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની ચોખ્ખી આયાત નોંધાવી હતી. જે નવ વર્ષની ટોચે છે. દેશની કુલ સ્ટીલ આયાતમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનનું યોગદાન 78 ટકા રહ્યું છે. આયાતમાં વૃદ્ધિના કારણે દેશની નાની અને મધ્યમ સ્ટીલ કંપનીઓ ઉત્પાદન ઘટાડવા તેમજ રોજગારીમાં કાપ મૂકવા મજબૂર બની છે. જેથી કેન્દ્ર સરકારે ચીન પર 200 દિવસ માટે સ્ટીલની આયાત પર 12 ટકા ડ્યુટી લાગુ કરવા નિર્ણય લીધો છે.
Source: Gujarat Samachar | Language: Gujarati