અમદાવાદની જેમ સુરતમાં પણ નાગપુરની કોલેજમાં બોગસ સર્ટીફીકેટનો વિવાદ ચાલતો હતો
Updated: Mar 27th, 2025
અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અધિકારીઓની ભરતીમાં કૌભાંડની ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ બોગસ સ્પોન્સર લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું અને 9 ઓફિસરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાલિકાએ પણ 32 કર્મચારીઓના સર્ટીફીકેટ વેરીફીકેશન કામગીરી વિજીલન્સ વિભાગને સોંપી હતી. વિજીલન્સ વિભાગે મધ્યસ્થ મહેકમ વિભાગને સોંપી છે. પણ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી તો બીજી તરફ 32માંથી 7 કર્મચારીઓ પાલિકાની નોકરી છોડી ચૂક્યા છે.
વિવિધ બોગસ કંપનીઓના સ્પોન્સર લેટર મેળવીને નાગપુરની નેશનલ ફાયર કોલેજમાં પ્રવેશ મેળવવા ની ફરિયાદ બાદ પાલિકા તંત્રએ 32 કર્મચારીઓના સર્ટીફીકેટની ખરાઈ શરૂ કરી હતી. સુરત પાલિકામાં સબ ફાયર ઓફિસર, ફાયર ઓફિસર, ડિવિઝનલ ઓફિસર તરીકે નિમણૂક પામનારા કર્મચારીના સર્ટીફીકેટ ચકાસણી રિક્રુટમેન્ટ અને મહેકમ વિભાગના રિપોર્ટના આધારે ૩૨ કર્મચારીઓના સર્ટિફીકેટના વેરીફીકેશન વિજીલન્સ વિભાગે શરૂ કરી હતી. પાલિકાના મહેકમ, રિક્રુટમેન્ટ વિભાગના રેકોર્ડને આધારે ૩૨ કર્મચારીઓની સર્ટિફીકેટની ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજીલન્સ વિભાગે તપાસ પુરી કરી દીધી છે અને રિપોર્ટ સોંપી દીધો છે. આ કામગીરી દરમિયાન જે 32 કર્મચારીઓના સર્ટીફીકેટ વેરીફીકેશન ની કામગીરી થતી હતી જેમાંથી સાત કર્મચારીઓ તો નોકરી છોડી ચૂક્યા છે. જેના કારણે તેમના સર્ટીફીકેટમાં કંઈ ખોટું થયું હોવાની આશંકા થઈ રહી છે. જેના કારણે કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ મહેકમ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે પરંતુ પાલિકાએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હવે આ રિપોર્ટ જાહેર કરી ખોટું થયું હોય તો પગલાં ભરાશે કે અગાઉના અનેક રિપોર્ટ જેમ આ રિપોર્ટ પણ જાહેર કરવામાં નહીં આવે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
Courtesy: Gujarat Samachar