અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય
Updated: Apr 23rd, 2025
GS TEAM
Pahalgam Terrerist Attack: દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલ મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને આજે (23 એપ્રિલ) કેન્દ્ર સરકાર દ્વારા CCSની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મોટા નિર્ણયો લેવાયા છે. ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ મોટા નિર્ણયો બાદ પાકિસ્તાને આવતીકાલે (24 એપ્રિલ) રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. ભારત સરકારે આવતીકાલે પાર્લામેન્ટ એનેક્સીમાં સર્વદળીય બેઠક બોલાવી છે, જેનું નેતૃત્વ રક્ષા મંત્રી કરશે. બીજી તરફ આજે જમ્મુ કાશ્મીર સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જ્યારે 28 એપ્રિલે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાશે. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓની માહિતી આપનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.
Source: Gujarat Samachar | Language: Gujarati