સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી
Updated: Apr 16th, 2025
Rahul Gandhi Gujarat visit : બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે મોડાસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, ‘ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે-ત્રણ અબજોપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જોઈએ તે તેમને મળી જાય છે. ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જોઈ રહી છે.’
ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે: રાહુલ ગાંધી
તેમણે વધુમાં કહ્યું હતું, કે ‘દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. દેશમાં બે જ પાર્ટી વિચારધારાના આધારે બની છે, કોંગ્રેસ અને ભાજપ. તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.’
Source: Gujarat Samachar | Language: Gujarati