રાજકોટમાં બેફામ સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં, ત્રણનાં મોતથી લોકોમાં રોષ
Updated: Apr 16th, 2025
Rajkot Road Accident: રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કિરણબેન કક્કડ, ચિન્મયભાઇ, સંગીતાબેન બેલ બહાદુર નેપાળી, (ઉંમર 40) જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35) જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમનો સમાવેશ થાય છે. અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, , ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ વાહન ચાલકો ઉભા હતા, ત્યારે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જે છે. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
Source: Gujarat Samachar | Language: Gujarati