પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ
Updated: Apr 24th, 2025
GS TEAM
One Soldier Martyred in Udhampur: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે (24મી એપ્રિલ) સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.
ડુડુ બસંતગઢના જંગલોમાં બે આતંકી જોવા મળ્યા હતા
અહેવાલો અનુસાર, ઉધમપુરના ડુડુ બસંતગઢના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સેનાના જણાવ્યાનુસાર, આ જંગલ વિસ્તાર ભારતીય સેનાની 9મી અને 16મી કોર્પ્સની સરહદ પર આવેલો છે, જે ગુફાઓ અને આતંકીઓ માટે છુપાયેલા સ્થળોથી ભરેલો છે, જ્યા બે આતંકી જોવા મળ્યા હતા જેમણે જવાનો પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના, પેરા અને જેકેપીએ જવાબ આપ્યો અને ગોળીબાર કર્યો. જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તબીબી પ્રયાસો છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
Source: Gujarat Samachar | Language: Gujarati