ગોળી વાગ્યા પછી મારો ભાઈ જીવિત હતો, દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું: CM સામે બહેનની આપવીતી
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack: પહલગામમાં ક્રૂર આતંકી હુમલામાં નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા હતાં. તેમની બહેન ભાઈના મોતથી ભાંગી પડી છે. તેણે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પર પોતાનો રોષ ઢોળતાં કહ્યું હતું કે, મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો, પરંતુ કોઈ મદદ માટે આવ્યુ નહીં. સેના ત્યાં સમયસર પહોંચી શકી નહીં.
ગઈકાલે કરનાલમાં વિનયના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા હતાં. વિનય નરવાલની બહેને તેમને અગ્નિદાહ આપ્યો હતો. પરિવાર સહિત સમગ્ર કરનાલમાં શોકની લાગણી છવાઈ છે. હજારો લોકો અંતિમ વિધિમાં જોડાયા હતાં. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જ્યારે કરનાલમાં વિનય નરવાલના ઘરે પહોંચ્યા ત્યારે તેની નાની બહેને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સરકાર અને સેના પર આરોપ મૂકતાં સૈનીને કહ્યું કે, ‘કોઈ ન આવ્યું, દોઢ કલાક સુધી કોઈ મદદે ન આવ્યું. મારો ભાઈ જીવતો હતો, જો કોઈ મદદે આવ્યુ હોત તો તેનો જીવ બચી શકતો હતો. જો સેના સમયસર પહોંચી હોત તો તે બચી જતો.’
Source: Gujarat Samachar | Language: Gujarati