આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્ચા
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terror Attack Updates: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 લોકોમાં સ્થાનિક ગાઈડ આદિલ હુસૈન શાહ પણ સામેલ છે. આ આદિલ હુસૈન શાહે બહાદુરી બતાવી પર્યટકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે માર્યો ગયો. પોતાના પરિવારનો આધારસ્તંભ આદિલ હુસૈને પર્યટકોને બચાવવા આતંકી સાથે અથડામણ કરી હતી. આતંકવાદીની રાઈફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આતંકીએ તેને ગોળી મારી દીધી હતી. 28 વર્ષીય આદિલના મોતથી પરિવાર અત્યંત શોકમાં છે. આદિલે પોતાની માતાને વચન આપ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં નવા ઘરમાં રહેવા લઈ જશે. પરંતુ હવે આદિલ આ દુનિયામાં રહ્યો નથી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે આદિલ શાહની દફન વિધિમાં પહોંચ્યા હતાં. તેમણે આદિલના પરિવારને સાંત્વના આપી હતી. આદિલના પિતા મુખ્યમંત્રીને ભેટીને રડી રહ્યા હતા. આદિલના પરિવારજનોએ જણાવ્યું કે, આદિલ પરિવારની કમાણીનો આધારસ્તંભ હતો. તે ખૂબ મહેનતથી પૈસા કમાઈ રહ્યો હતો.
Source: Gujarat Samachar | Language: Gujarati